સુશાસન (Good Governance)
દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ “વિકાસલક્ષી વહીવટ”ની
અવધારણા જાહેર વહીવટના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની હતી. એમાં રાજ્ય દ્વારા
પ્રેરિત વિકાસની વાત કરવામાં આવી હતી. પરંતુ લક્ષ્ય અને તેને પ્રાપ્ત કરવાના સાધનો
વચ્ચે સમન્વયના અભાવે વિકાસલક્ષી વહીવટ અસફળ રહ્યું. આ સમયે આર્થિક સહાયતા આપનારી
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સહાયતા પ્રદાન કરવા માટે નવા માપદંડો બનાવવાનું શરુ
કર્યું. 1980ના દસકામાં ત્રીજા વિશ્વના મોટાભાગના દેશો
આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા હતા.
સુશાસનની અવધારણા મુખ્ય રૂપે 1989ના વિશ્વબેન્કના આફ્રિકાના ઉપ-સહારા
ક્ષેત્ર પરના દસ્તાવેજમાં સામે આવી. આ દસ્તાવેજમાં મુખ્યત્વે વૈશ્વિકરણના
સંદર્ભમાં પરિવર્તિત જાહેર ક્ષેત્રનું સંચાલન, લોકતાંત્રિક પરિપ્રેક્ષ્યમાં
લોકભાગીદારી, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં સરકારની ભૂમિકા અને તેમના પ્રત્યેનું
ઉત્તરદાયિત્વ તથા પારદર્શકતાની વાત કરવામાં આવી.
સુશાસનની સંરચના, તેના કર્યો અને તેની
પ્રક્રિયા પર પાંચ વિશિષ્ટ તત્વોનો પ્રભાવ જોવા મળે છે.
- રાજના પુનઃપ્રારૂપણની રણનીતિ
- તીવ્ર અને વ્યાપક પરિવર્તનની સંચાલકીય પદ્ધત્તિ
- સમાજના બધા જ વર્ગોનું વિસ્તૃત અને વ્યાપક નેતૃત્વ માટે હિસાબીકરણ
- માહિતી પ્રૌદ્યોગિકીનો વિકાસ
- નવી શોધો અને નવા વિચારો
વીસમી સદીના અંતિમ ચરણોમાં ખાસ કરીને 1980 અને 1990 ના દસકામાં સંરચનાત્મક સામંજ્ય કાર્યક્રમ
(Structural
Adjustment Programme) ના માધ્યમથી વિશાળ આર્થિક નીતિ સુધાર કાર્યક્રમની શરૂઆત થઇ. જેમાં
મુખ્ય રણનીતિ તરીકે સરકારને જવાબદાર, પારદર્શક અને લોકતાંત્રિક બનાવવા માટે સભ્ય
સમાજની સંસ્થાને સશક્ત કરવાની પહેલ કરવામાં આવી. જે એક સુશાસનનું અભિન્ન અંગ છે.
1993માં વિશ્વબેન્કના સશાસન સબંધી “સશાસન અને
વિકાસ” નામના દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે, સશક્ત વિકાસ માટેના વાતાવરણીય
તત્વોને વિકસિત કરવા એ સુશાસનના માધ્યમથી જ શક્ય છે. વિશ્વબેંકે સુશાસનને સ્થાપિત
કરવા માટે વિભિન્ન લિખિત શરતો રજુ કરી છે. જે નીચે મુજબ છે.
(1) રાજકીય જવાબદારી જેમાં નિયમિત ચૂંટણીઓ તથા એમાં લોકો દ્વારા રાજકીય વ્યવસ્થાને
પ્રાપ્ત સ્વીકૃતિ સામેલ હોય.
(2) વિવિધ ધાર્મિક, સામાજિક, આર્થિક, સંસ્કૃતિક અને વ્યવસાયિક સમુહોને
શાસન પ્રક્રિયામાં ભાગીદાર બનાવવા અને તેમને સંગઠન બનાવવાની સ્વતંત્રતા આપવી.
(3) “કાયદાનું શાસન” પર આધારિત વિધીયુક્ત પ્રારૂપ/સંરચનાની સ્થાપના તથા
માનવ અધિકારની રક્ષા, સામાજિક ન્યાયની સુનિશ્ચિતતા, શોષણ વિરુદ્ધ સુરક્ષા અને
સત્તાના દુરુપયોગથી બચાવ હેતુ ન્યાયતંત્રની સ્વતંત્રતા.
(4) સરકારી કાર્યાલયો અને પદાધિકારીઓના કાર્યક્રમો તથા કામગીરીની દેખરેખ અને
નિયંત્રણ દ્વારા નોકરશાહીની જવાબદારી સુનિશ્ચિત કરવી, વહીવટમાં ખુલ્લાપણું અને
પારદર્શકતા લાવવી.
(5) લોક્નીતી નિર્માણ, નિર્ણય નિર્માણ અને સરકારી કામગીરીની દેખરેખ અને
મૂલ્યાંકન માટે માહિતી પ્રાપ્તિ તથા વિચાર અભિવ્યક્તિની સ્વતંત્રતાની જરૂરિયાત.
(6) કાર્યદક્ષતા અને પ્રભાવશીલતાને સુનિશ્ચિતતા કરવા માટે એક મજબુત વહીવટી
વ્યવસ્થાની જરૂરિયાત.
(7) સરકાર તથા જાહેર સમાજના સંગઠનો વચ્ચે સહયોગ.
- સુશાસનની વિશેષતાઓ:-
(1) લોકભાગીદારી (Public Participation)
(2) કાયદાનું શાસન (Rule of Law)
(3) પારદર્શકતા (Transparency)
(4) પ્રતિભાવનાત્મક (Responsiveness)
(5) સર્વાનુમતિ (Consensus Oriented)
(6) કાર્યક્ષમતા અને અસરકારકતા (Efficiency & Effectiveness)
(7) સમતા અને સમાવેશ (Equity & Inclusiveness)
(8) જવાબદારી અને ઉદારતા (Accountability & Humanity)
Post a Comment